ભારતીય સંસ્કૃતિનો પ્રસાર
Abstract
અંગ્રેજી શબ્દ ‘કલ્ચર’ મૂળમાં ‘કૃષિ’ના અર્થમાં પ્રયોજાયો છે. તે પરથી વિલ ડ્યુરાન્ટે ‘કલ્ચર’ એટલે માનવમનનું ખેડાણ (કલ્ટિવેશન ઑવ્ મૅન્સ માઇન્ડ) એવો અર્થ તારવ્યો છે. ભારતમાં ‘કલ્ચર’ના પર્યાય રૂપે ‘સંસ્કૃતિ’ શબ્દ પ્રયોજવામાં આવે છે. નૃવંશવિદ્યાવિદો અને સંસ્કૃતિવિદ્યાવિદો તેનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે સંસ્કૃતિ એ કોઈ ભૂતકાળની બાબત નથી. તેનો સંબંધ જિવાતા જીવન સાથે છે. તેના સર્જનની પાત્રતા કેવળ મનુષ્યમાં જ છે. જગતની અન્ય જીવસૃષ્ટિ સંસ્કૃતિ ખીલવી શકતી નથી, કેમ કે અન્ય જીવસૃષ્ટિ પ્રકૃતિજીવી છે, જ્યારે મનુષ્ય કેટલીક વિશેષતાઓને લઈને પ્રકૃતિજીવી ન રહેતાં સંસ્કૃતિજીવી બન્યો છે. સૃષ્ટિની જીવયોનિઓમાં પ્રાણી તરીકે મનુષ્ય અનેક પ્રકારની કેટલીક ચોખ્ખી વિશેષતાઓ ધરાવે છે. તેનાં શરીર, ભાષા, રહેણીકરણી, નિર્વાહ, આહાર, સામાજિક વૃત્તિ વગેરે અનેક બાબતો તેની એ વિશેષતા બતાવે છે. મનુષ્ય તેનો સમાજ રચે છે, તેને સારુ અમુક સુધારો એટલે કે જીવનનિર્વાહ કરવાને માટે અમુક શારીરિક–માનસિક શ્રમ, તે માટે આવશ્યક સાધનસામગ્રી, રાચરચીલું વગેરેથી માંડીને અમુક સંસ્થા કે પ્રથાઓ રચે છે. તેમાં એ સાહિત્ય, કલા અને ધર્મની છટા આણે છે. આ વસ્તુ મનુષ્ય પરત્વે જ બને છે, બીજા કોઈ અંગે નહિ.